सरदार आवास-2
- ગરીબી રેખા ઉપરનાં લાભાર્થીને પણ આવાસ માટે સહાય મળશે
- આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૧૩ હજાર કાચા મકાનને પાકા બનાવવા સરદાર પટેલ આવાસ-૨ યોજના જાહેર કરાઈ
- રૂા.૪૦ હજારની સહાય આપવામાં આવશે
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનમાં રહેતાં પરિવારને હવે પાકું બનાવવા માટે સરકાર સહાય આપવશે. જોકે, આ સહાય મેળવવા બીપીએલ કાર્ડ હોવું આવશ્યક નથી. કારણ કે સરકારે જાહેર કરેલી સરદાર આવાસ યોજના-૨માં એપીએલ કાર્ડ ધારકમાં ૨૧થી ૨૮ સ્કોર ધરાવતાં લાભાર્થીને સહાય આપવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં રૂા.૧ લાખના આવાસ સામે રૂા.૪૦ હજારની સહાય ચૂકવવામાં આવશે.
રાજ્યમાં આવેલા દરેક ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને પોતાનું એક પાકું ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં અનેક નવી યોજનાઓની તાજેતરમાં જાહેર કરી છે. જોકે, ગ્રામ્ય વિસ્તાર માટે હવે સરદાર આવાસ યોજનાનું વિસ્તૃતિકરણ કરી બીપીએલ સિવાયના કાચા આવાસ ધરાવતાં લાભાર્થીઓ માટે સરદાર આવાસ યોજના -૨ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ૨૧ કે તેથી ઉપરના ગુણાંકના કાચા આવાસ ધરાવતા તથા સર્વે યાદીમાં સમાવષ્ટિ ન હોય તેવા તમામ કાચા મકાન ધરાવતાં ગ્રામ્ય લાભાર્થીઓને પાકુ મકાન બાંધવા સહાય અપાશે.
કેટલી સહાય મળશે ?
સરદાર આવાસ યોજના -૨ અંતર્ગત નવા આવાસની કુલ લઘુત્તમ બાંધકામની યુનિટ કોસ્ટ રૂા.૧ લાખ સામે રાજ્ય સરકાર દ્વારા રૂા.૪૦ હજાર સહાય આપવામાં આવશે. આ સહાય ત્રણ તબક્કામાં ચુકવવામાં આવશે. પ્રથમ હપ્તો રૂા.૧૦ હજાર, બીજો હપ્તો રૂા.૨૦ હજાર અને ત્રીજો હપ્તો રૂા.૧૦ હજાર નક્કી કરવામાં આવ્યો છે. આ તમામ હપ્તાની ચુકવણી લાભાર્થીના બેંકના ખાતામાં સીધી જમા થશે. પ્રથમ હપ્તો મળ્યે દિવસ-૩૦માં મકાન બાંધકામ શરૂ કરવાનું રહેશે.
કોને લાભ મળશે ?
એપીએલ યાદીમાં ૨૧થી ૨૮ ગુણાંક સુધીના જે નોંધાયેલાં લાભાર્થી છે, તે પૈકી જે અરજી કરે તેને વહેલા તે પહેલાના ધોરણે આ લાભ આપવાના રહેશે. બીજા તબક્કામાં ૨૯ કે તેથી વધુ ગુણાંક ધરાવતાં તેમજ ગ્રામ વિકાસ વિભાગના વર્ષ ૨૦૦૨ની સર્વે યાદીમાં સમાવષ્ટિ ન હોય તેવા કાચા આવાસ ધરાવતા તમામ લાભાર્થી કુટુંબોને આ યોજનાનો લાભ મળશે.
કેવું હશે આવાસ ?
પાકુ મકાન બાંધકામ ક્ષેત્રફળ લઘુત્તમ કૂલ ૨૨.૯૦ ચોરસ મીટર હશે. મકાનની છત, ધાબુ, પતરાની શીટ, એસ્બેસટોસ શીટ તથા મેંગલોરી નળીયા, ભોંયતળીયું લાદી, પથ્થર, સીમેન્ટ - રેતી, કોંક્રીટવાળુ બનાવવાનું રહેશે.